Sunday, September 20, 2015

કઠોળની આયાત કરતા ઉત્પાદન વધારવું અત્યંત જરૃરી

nullnullnullnull

સંયુકત રાષ્ટ્ર સંઘે ૨૦૧૬ના વર્ષને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કર્યો છે, ત્યારે ભારતમાં કઠોળના ઉત્પાદન આંકડા ઘણું જ  નબળું ચિત્ર દર્શાવે છે. આપણા દેશમાં પ્રતિ હેકટર ૭૫૦ કિલો કઠોળ ઉત્પન્ન થાય છે જે વિકસિત દેશોની સરખામણીએ ઘણું જ ઓછું છે. દેશમાં કઠોળની માગ કરતા  પૂરવઠો ઓછો રહેતા સરકારે  વિવિધ કઠોળની આયાત વધારવા નિર્ણય લેવાની  અવારનવાર ફરજ પડી છે. પૂરવઠા ખેંચને અભાવે કઠોળના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે ચોમાસામા ંવરસાદની અછતથી પાક પર તેની પ્રતિકૂળ અસર પડવા વકી છે. દેશમાં આવક તથા રાજકીય સ્થિરતા વધી હોવા છતાં અન્નની ઉપલબ્ધતાની ખાતરી પૂરી પાડતા અન્ન સલામતી જેવા પરિબળો હજુ પણ મુખ્ય ચિંતાના વિષય છે. છેલ્લામાં છેલ્લા ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઈન્ડેકસમાં અન્નની સલામતી પૂરી પાડતા દેશોમાં ભારતનું સ્થાન ૬૬મું છે જ્યારે ચીન આપણા કરતા ઘણું આગળ રહીને ૩૮માં સ્થાને છે. એટલું જ નહી ભારતમાં પૂરા પડાતા અનાજમાં પ્રોટીનની ગુણવત્તા પ્રત્યે પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ભારતમાં  સારી કક્ષાના પ્રોટીનવાળો (ખાસ કરીને કઠોળ) ખોરાક  માથાદીઠ  ૩૭ ગ્રામ આરોગવામાં આવે છે જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં આ આંક ૪૭ ગ્રામ તથા શ્રીલંકામાં ૩૮ ગ્રામ છે એમ  આઈસીઈ ૩૬૦ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. શારીરિક તંદૂરસ્તી માટે એક વ્યક્તિએ દૈનિક ૮૦ ગ્રામ કઠોળ ખોરાકમાં ખાવું જોઈએ એવી  તબીબી સલાહ છે.  આ હકીકતને  ધ્યાનમાં રાખતા  ૧૨૮ કરોડની વસતિવાળા ભારતમાં  ૩.૬૯ કરોડ ટન કઠોળની આવશ્યકતા રહે છે. પરંતુ આટલી માત્રામાં અહીં એટલું કઠોળ ઉત્પન્ન થતું  નથી એ હકીકત છે.
જ્યારે કોઈ દેશ વિકાસના પંથે આગળ વધે છે ત્યારે પારિવારિક ખર્ચમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચનો હિસ્સો ઘટતો જતો હોવાનું તારણ છે.   ઊંચી આવક સાથેના દેશોમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચ કુલ ખર્ચના ૨૦ ટકા આસપાસ છે. ભારતની વાત કરીએ તો કુલ ઘરેલું ખર્ચમાં ખાધાખોરાકી પાછળનો ખર્ચ ૫૫ ટકા જેટલો રહે છે જ્યારે કુલ આવકમાંથી ૩૯ ટકા ખોરાક પાછળ ખર્ચાય છે. ૨૦૦૪-૫થી ૨૦૧૩-૧૪ દરમિયાનના  દસ વર્ષમાં ઘરેલું ખર્ચના આંકડા પર નજર નાખવામાં આવે તો ભારતના ગામડાઓમાં કુલ ઘરેલું ખર્ચમાં ખાધાખોરાકી પાછળની ટકાવારી જે  ૫૫ ટકા હતી તે વધીને ૬૦ ટકા થઈ ગઈ છે જ્યારે શહેરી ભારતમાં આ આંક ૪૩ ટકા પરથી વધી ૪૮ ટકા થયો છે. બીજી બાજુ ખાધાખોરાકી સિવાયના ખર્ચની ટકાવારી શહેરી વિસ્તારમાં જે  ૫૭ ટકા હતી તે ઘટીને ૫૨ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૫ ટકા પરથી ઘટી ૪૦ ટકા થઈ ેછે.   વિશ્વમાં ઉત્પન્ન થતા કુલ કઠોળમાંથી ૩૫થી ૩૭ ટકા કઠોળ આપણે ભારતીયો સ્વાહા કરી જઈએ છીએ. ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન ભારતીયોના કડધાન્ય તથા પ્રોટિનયુકત  ( કઠોળ) ખોરાકની ટકાવારીમાં ફેરફાર જોવા મળ્યો છે. ૨૦૦૭માં  ભારતીય થાળીમાં કડધાન્યની ટકાવારી જે ૨૪ ટકા હતી તે ૨૦૧૨માં વધીને ૨૯ ટકા થઈ હતી જ્યારે પ્રોટિનયુકત  ખોરાકનો આંક જે ૩૪ ટકા હતો તે ઘટીને ૩૧ ટકા પર આવી ગયો હતો. અનાજ ખાસ કરીને કઠોળના ઊંચા ભાવ આ બદલાવ માટે જવાબદાર માનવામાં આવે છે. ઘરઆંગણે ઊગતા કઠોળના ઊંચા ભાવને કારણે  નીચલા તથા મધ્યમ વર્ગના ભારતીય પરિવારો આયાતી કઠોળ ખાવા તરફ વળવા લાગે છે.  ભારત વર્ષે  અંદાજે ૩૫૬૫૦૦૦ ટન કઠોળની આયાત કરે છે.  પરંતુ ભાવ ઘટે છે ત્યારે ઘરેલું કઠોળને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું જોવાયું છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતમાં  મોટાભાગના પરિવારોનો પ્રોટિનવાળા ખોરાક પાછળનો ખર્ચ લગભગ સરખો છે. આમ ભારતીયો પ્રોટીનયુકત ખોરાક કરતા કડધાન્ય વધુ ખાતા હોવાનું જોવા મળે છે. ભારતમાં અનાજની સરખામણીએ કઠોળના ઉત્પાદનમાં  ચાલીસ વર્ષમાં  વસતિ પ્રમાણે એટલો વધારો થયો નથી. દેશની કૃષિ નીતિનો મુખ્ય હેતુ કઠોળઅનાજના ઉત્પાદન વધારવાને લગતો રહ્યો છે છતાં ૧૯૫૧-૫૨માં તેનું ઉત્પાદન જે ૫.૨૦ કરોડ ટન પરથી વધીને આજે  વાર્ષિક ૨૫ કરોડ ટનથી સહેજ ઉપર રહે છે. ૧૯૬૦-૬૧થી ૨૦૧૦-૧૧ના સમયગાળામાં અનાજના વાર્ષિક ઉત્પાદનમાં સરેરાશ બે ટકાથી ઓછી વૃદ્ધિ રહી છે જ્યારે અનાજના ઉપભોગતા મનુષ્યની વસતિનો વિકાસ બે ટકાથી વધુ રહ્યો છે. આમ ઉત્પાદનની સરખામણીએ તેને વાપરનારાની સંખ્યા વધુ રહેતા અનાજનો માથાદીઠ વપરાશ ઘટયો છે. અનાજ ઉપરાંત પ્રોટિનયુકત અનાજનું ઉત્પાદન પણ માગ પ્રમાણે વધ્યું નથી. શહેરીકરણ અને વપરાશકારોની પસંદગી બદલાતા આ પદાર્થોની માગ વધી છે જેને કારણે ખાધાખોરાકીના ફુગાવાની જાળવણી કરવાનું મુશ્કેલ બનતું જાય છે. દેશમાં કઠોળનું વાવેતર મધ્ય વિસ્તારમાં થાય છે અને બિહાર તથા ઝારખંડ જેવા રાજ્યો પણ કઠોળના ઉત્પાદનમાં ફાળો આપે છે પરંતુ કઠોળના સૌથી વધુ  વપરાશ ઉત્તર તથા દક્ષિણ ભારતમાં થતું હોવાનું અભ્યાસમાં નોંધાયું છે. પ્રોસેસિંગ તથા માર્કેટિંગમાં આધુનિકતાનો અભાવ તથા કઠોળ ઊગાડતા ખેડૂતોને સ્રોતોનો અભાવ ગરીબ ખેડૂતો માટે મુખ્ય રુકાવટ બની રહે છે. સ્રોતોના અભાવે ખેડૂતો કૃષિ પેદાશોની ઉપજ વધારી શકતા નથી જેને કારણે પોષકતત્વોના લાભો દેશના નાગરિકોને મળવા જોઈએ તે પ્રમાણમાં મળતા નથી.  કૃષિ પેદાશોનું ઉત્પાદન વધારવા અને ઉપજમાં  સુધારો કરવા પર ધ્યાન આપવું એ સારો લાંબા ગાળાનો વ્યૂહ છે પરંતુ ટૂંકા તથા મધ્યમ ગાળે કઠોળના વાવેતરમાં વધારો કરવાની નીતિ અપનાવાય તે જરૃરી છે. કઠોળના વાવેતરમાં વધારો થવાથી એક તો ઘરઆંગણે તેના પૂરવઠામાં વધારો થશે જે ભાવ નીચા રાખવામાં મદદરૃપ બનશે તથા ભારતીય પરિવારોને પ્રોટિનયુકત ખોરાકની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થશે. ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુ એડેડ પ્રોટિન પ્રોડકટસમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન શહેરી યુવાનોની પ્રોટિનવાળા ખોરાક માટેની વધેલી માગને પહોંચી વળવામાં મદદરૃપ થશે. દેશમાં કઠોળની કેટલી આવશ્યકતા છે તેની ખેડૂતોમાં જાગૃતતા લાવવી જરૃરી છે. કઠોળની માગમાં હાલમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે તે જોતા આવનારા વર્ષોમાં કઠોળની આયાત પર નિર્ભરતામાં પણ વધારો થતો જશે જે ભારત જેવા વિદેશી હૂંડિયામણની ખેંચ અનુભવતા દેશ માટે સારી નિશાની ન કહી શકાય.

No comments:

Post a Comment